પહલગામ ઇસ્લામી આતંકી ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતત ઑપરેશન ચલાવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, આ દરમિયાન કુલગામમાંથી બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓએ આતંકીઓને મદદ કરી હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તેમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ANIએ પોલીસના હવાલેથી જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કૈમોહ વિસ્તારના થોકરપોરમાં સુરક્ષાદળોએ આતંકીઓને મદદ કરનારા બે સહયોગીઓની ધરપકડ કરી છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં સતત સુરક્ષાદળો આતંકીઓને શોધવા માટે સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ પહલગામમાં ઇસ્લામી આતંકીઓને હિંદુઓને ટાર્ગેટ કરીને તેમની હત્યા કરી હતી. ઘટના બાદ દેશભરમાં આક્રોશ વ્યાપેલો છે અને સરકાર પણ કડક કાર્યવાહી માટેની તૈયારી કરી રહી છે. તેવામાં સુરક્ષાદળો આતંકીઓને કોઈપણ પ્રકારની મદદ કરનારાઓની પણ ધરપકડ કરી રહ્યા છે.