Sunday, March 23, 2025
More

    25 દિવસ સુધી સતત દોડીને વાપીના 2 દોડવીરો પહોંચ્યા અયોધ્યા: રામલલાના દર્શન કરીને પૂર્ણ કરી 1500 KMની ‘રામાથન’ યાત્રા

    વાપીના બે દોડવીરોએ તેમની અતૂટ નિષ્ઠાનું ઉદાહરણ બેસાડ્યું છે. ઉજ્જવલ ડોડિયા અને સંજય શુક્લા નામના આ ભક્તોએ ભગવાન રામલલાના દર્શન કરવા માટે 1500 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને તે પણ દોડીને. તેમણે 22 જાન્યુઆરી 2025ના રોજ પોતાની યાત્રા શરૂ કરી અને 15 ફેબ્રુઆરી 2025ના રોજ અયોધ્યા પહોંચ્યા હતા, તેઓ દરરોજ 60 કિલોમીટર દોડતા.

    અહેવાલો અનુસાર, અયોધ્યા પહોંચતા જ શહેરના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને દોડવીરોએ કહ્યું કે, આ ફક્ત એક દોડ નથી પણ તેમના માટે એક આધ્યાત્મિક યાત્રા છે. તેમણે આ દોડનું નામ ‘રામાથન’ યાત્રા રાખ્યું .

    યાત્રા દરમિયાન, તેમની સાથે એક સહાયક ટીમ હતી, જે ખોરાક, આરામ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહી હતી. રામલલાના દર્શન કર્યા પછી, તેમણે કહ્યું કે, મંદિરમાં પ્રવેશતાની સાથે જ તેમને એક અલગ જ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો. તેમણે ભગવાન શ્રીરામને બધા ભક્તોના કલ્યાણ માટે પ્રાર્થના કરી અને આ યાત્રાને તેમના જીવનનો સૌથી ખાસ અનુભવ ગણાવ્યો.