ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ ટ્રેન ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓ પર મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ જાન્યુઆરીથી મે 2025 દરમિયાન 2.5 કરોડ બોગસ યુઝર આઈડી બ્લોક કર્યાં છે અને 20 લાખ આઈડીને ફરીથી ચકાસણી માટે મૂક્યાં છે. આ કાર્યવાહીથી એવું રહસ્ય ઉકેલાયું છે કે બુકિંગ શરૂ થતાંની સાથે જ ટિકિટ કેવી રીતે ગાયબ થઈ જાય છે.
ઘણા મુસાફરો ફરિયાદ કરતા હતા કે IRCTCની વેબસાઈટ પર બુકિંગ શરૂ થતાંની સાથે જ, ખાસ કરીને તત્કાલ અને સામાન્ય ટિકિટો, થોડી મિનિટોમાં જ ખતમ થઈ જાય છે. આનું કારણ હતું બનાવટી યુઝર આઈડી અને ઓટોમેટેડ બૉટનો ઉપયોગ. આવા આઈડીનો ઉપયોગ કરીને ટાઉટ્સ ટિકિટો ઝડપથી બુક કરી લેતા હતા અને પછી તેને ઊંચા ભાવે વેચતા હતા, જેનાથી સામાન્ય મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી.
જાન્યુઆરીથી મે 2025 દરમિયાન 2.9 લાખ શંકાસ્પદ PNR શોધી કાઢવામાં આવ્યા અને 2.5 કરોડ બનાવટી આઈડી બંધ કરવામાં આવ્યાં. 6,800થી વધુ ડિસ્પોઝેબલ ઈમેલ ડોમેનને બ્લૉક કરવામાં આવ્યાં, જેનો ઉપયોગ બનાવટી આઈડી બનાવવા માટે થતો હતો. IRCTCએ અદ્યતન કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક અને એન્ટી-બૉટ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, જેનાથી ઓટોમેટેડ સ્ક્રિપ્ટ્સ અને વાસ્તવિક યુઝર્સ વચ્ચેનો તફાવત ઓળખી શકાય.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોને ટિકિટની અછતનો સામનો ન કરવો પડે તે માટે ઉચ્ચ માંગવાળા રૂટ પર ટ્રેનોની સંખ્યા અને ક્ષમતા વધારવામાં આવી રહી છે, ખાસ કરીને પીક સીઝન દરમિયાન. આ ઉપરાંત, IRCTCએ લોકોને એવી ટ્રાવેલ પ્લેટફોર્મથી સાવધાન રહેવા જણાવ્યું છે જે કન્ફર્મ ટિકિટની ગેરંટી આપે છે, કારણ કે આવા દાવા ઘણીવાર ભ્રામક હોય છે.