Saturday, June 21, 2025
More

    બસવ રાજુને ઠાર કર્યાં બાદ ભયમાં નકસલવાદ: છત્તીસગઢમાં 18 વામપંથી આતંકીઓએ CRPFની હાજરીમાં કર્યું આત્મસમર્પણ

    ભારત સરકાર નકસલવાદની (Naxlism)  વિરુદ્ધમાં મહત્વપૂર્ણ પગલાં ભરી રહી છે. ત્યારે તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર છત્તીસગઢના (Chhattisgarh) સુકમા જિલ્લામાં 18 નક્સલીઓએ 27 મેના રોજ સુરક્ષાદળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ આત્મસમર્પણ વરિષ્ઠ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના (CRPF) અધિકારીઓની હાજરીમાં થયું હતું.

    સુકમા પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણના જણાવ્યા અનુસાર, આત્મસમર્પણ કરનાર નક્સલીઓએ માઓવાદી વિચારધારાને ‘ખોખલી’ અને ‘અમાનવીય’ ગણાવી અને સ્થાનિક આદિવાસી સમુદાયો પર થતા અત્યાચારો સામે નિરાશા વ્યક્ત કરી હતી.

    આત્મસમર્પણ કરનાર નક્સલીઓમાં બે મહત્ત્વના નામ સામેલ છે: 25 વર્ષીય મદકામ આયતા, જે માઓવાદીઓની પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન નંબર 1નો પ્લાટૂન પાર્ટી કમિટી સભ્ય હતો. આ સિવાય 26 વર્ષીય ભાસ્કર ઉર્ફે ભોગમ લખ્ખાનો સમાવેશ થાય છે, જે સમાન બટાલિયનનો પાર્ટી સભ્ય હતો. બંને પર ₹8 લાખનું ઇનામ હતું.

    દરેક આત્મસમર્પણ કરનાર નક્સલીને ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવી અને તેમનું સરકારની નીતિ અનુસાર પુનર્વસન પણ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ભૂતપૂર્વ બળવાખોરોને સમાજમાં પુનઃસ્થાપિત કરવાનો છે.

    નોંધનીય છે કે આ પહેલાં 21 મે, 2025ના રોજ નારાયણપુરમાં એક એન્કાઉન્ટરમાં CPIMના મહાસચિવ નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવ રાજુ સહિત 27 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યારપછી 18 નક્સલીઓનું આત્મસમર્પણ સામે આવ્યું છે.