Friday, April 25, 2025
More

    છત્તીસગઢમાં ફરી મોટું ઑપરેશન: સુરક્ષાબળોએ 16 નક્સલીઓ ઠાર કર્યા, 2 જવાનો ઇજાગ્રસ્ત

    છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાદળોએ 16 નક્સલીઓને ઠાર કરી દીધા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ અથડામણ સુકમા-દંતેવાડા સરહદ પાસેના ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં બની, જ્યાં સુરક્ષાદળો નક્સલવિરોધી અભિયાન પર હતા. સુકમાના એસપી કિરણ ચવ્હાણના જણાવ્યા અનુસાર, હાલ આ વિસ્તારમાં ગોળીબાર ચાલુ છે અને ઘટનાસ્થળેથી 16 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે.

    આ સાથે જ બસ્તરના IG સુંદરરાજ પીએ પણ આ વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે. 16 નક્સલવાદીઓનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, આ અથડામણમાં 2 જવાનોને નાની ઇજાઓ પણ થઈ છે. આ સાથે જ હાલ પણ આ વિસ્તારમાં સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

    નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બસ્તર જિલ્લો નક્સલવાદથી પ્રભાવિત છે અને વારંવાર હુમલાઓ પણ થતાં રહે છે. જોકે, ગૃહ મંત્રાલયના આદેશ બાદ હવે તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દેશને નક્સલ મુક્ત કરવામાં આવી રહ્યો છે.