Friday, March 14, 2025
More

    TikTok પર વિડીયો બનાવવા 15 વર્ષની પાકિસ્તાની યુવતીને પડ્યા ભારે: અબ્બુ અને મામુએ કરી દીધી હત્યા

    પાકિસ્તાનના ક્વેટામાં (Quetta, Pakistan) એક કથિત ઓનર કિલિંગમાં (Honor Killing) ટિકટોક (TikTok) વિડીયોના કારણે 15 વર્ષની છોકરીની તેના અબ્બુ અને મામુએ ગોળી મારીને હત્યા કરી દીધી. ARY ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે 15 વર્ષની હીરાના અબ્બુ ટિકટોક પર તેમની પુત્રીની વિડીયો બનાવવાની આદતને લઈને નારાજ હતા અને તેને વિડીયો બનાવવાનું બંધ કરવાનું પણ કહ્યું હતું. જોકે, જ્યારે પુત્રીએ તેની વાત સાંભળવાનો ઇનકાર કર્યો, ત્યારે તેણે છોકરીના મામુ સાથે મળીને તેની પુત્રીની હત્યા (Murder) કરવાનો કાવતરું ઘડ્યું.

    પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અનવરુલ-હક ઘણા વર્ષો પહેલા તેની બેગમ અને બાળકો સાથે અમેરિકા ગયો હતો. તે 15 જાન્યુઆરીએ તેમની પુત્રી હીરા સાથે પાકિસ્તાન આવ્યો હતો, જ્યારે તેમની બેગમ અને બે અન્ય પુત્રીઓ અમેરિકામાં જ રહી હતી.

    પોલીસે પુષ્ટિ આપી કે હત્યા પૂર્વ આયોજિત હતી, કારણ કે અનવરુલ-હકે તૈયબ અલી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. એઆરવાય ન્યૂઝના અહેવાલ મુજબ, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે હત્યાની કબૂલાત કરી છે. આ કેસ વધુ તપાસ માટે ગંભીર ગુના તપાસ શાખાને સોંપવામાં આવ્યો છે.