મહારાષ્ટ્ર સાયબર પોલીસ વિભાગે ‘રોડ ઑફ સિંદૂર’ નામના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, મોરોક્કો અને મધ્ય પૂર્વના દેશોએ ભારત પર 15 લાખ સાયબર હુમલા કર્યા છે. જોકે, આમાંથી માત્ર 150 સાયબર હુમલા અથવા 0.01% જ સફળ થયા છે.
22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 7 મે 2025ના રોજ ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) 9 આતંકવાદી ઠેકાણાંમાં લગભગ 100 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તેનાથી ગુસ્સે થયેલા પાકિસ્તાને પણ વળતો જવાબ આપવાના પ્રયાસ કર્યા હતા.
પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઈલોથી ભારતના ઘણા શહેરો પર હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તે તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા.
જોકે, સીધી પ્રતિક્રિયાની સાથે ભારતમાં સાયબર હુમલાઓનું પણ ઘોડાપૂર આવ્યું હતું. ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ભારતના વિવિધ વિભાગોની વેબસાઇટ્સ પર 15 લાખ સાયબર હુમલા કરવામાં આવ્યા હતા. 7 હેકર જૂથોની પણ ઓળખ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સાયબર પોલીસે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવતા 83 લોકોની ઓળખ કરી છે. આમાંના કેટલાક લોકો ભારતના જ રહેવાસી છે. પોલીસે 38 એકાઉન્ટ પણ બંધ કરી દીધા છે.