Tuesday, February 25, 2025
More

    શીશમહેલ, મહોલ્લા ક્લિનિક અને દારૂ કૌભાંડ… દિલ્હી વિધાનસભામાં આજે રજૂ થશે CAGના 14 રિપોર્ટ્સ: AAPની કરતૂતોના થશે ઘટસ્ફોટ

    દિલ્હીમાં સત્તારૂઢ ભાજપ સરકાર (Delhi BJP Govt) આજે એટલે કે મંગળવારે (25 ફેબ્રુઆરી) વિધાનસભામાં CAGના 14 રિપોર્ટ્સ (14 CAG reports) રજૂ કરવા જઈ રહી છે. જેમાં પહેલાંની AAP સરકાર દરમિયાન ‘શીશમહેલ’ અને મહોલ્લા ક્લિનિકના રિનોવેશનમાં થયેલી અનિયમિતતાને સહિતના ઘણા મુદ્દાઓ પર ખુલાસા થવાની શક્યતા છે. રિપોર્ટમાં તે બંગલાનો ઉલ્લેખ છે, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ રહેતા હતા.

    આ રિપોર્ટમાં ‘6 ફ્લેગ સ્ટાફ રોડ’ પર બનેલા મુખ્યમંત્રી આવાસ ઉર્ફે કેજરીવાલના શીશમહેલને લઈને ઘણા સ્ફોટક ખુલાસાઓ થવા જઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શીશમહેલને વધુ મોટો કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને કેમ્પ ઓફિસ અને સ્ટાફ બ્લોકને પણ તેમાં ભેળવી દેવામાં આવ્યા હતા. વિધાનસભાના પટલ પર આજે એકસાથે 14 રિપોર્ટ્સ મૂકવામાં આવશે.

    નોંધવા જેવું છે કે, શીશમહેલ અને દારૂ કૌભાંડ તથા મહોલ્લા ક્લિનિકને લઈને દિલ્હીની પૂર્વ આમ આદમી પાર્ટી સરકાર પર પહેલાંથી જ ઘણા વિવાદો ઊભા થયા હતા. જ્યારે હવે રિપોર્ટ્સને વિધાનસભામાં રજૂ કરવાથી જનતા સુધી પણ તે માહિતી પહોંચી શકશે.