પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે, ખાસ કરીને સુરત અને અમદાવાદમાં મેગા ઑપરેશન પાર પાડીને હજારોની સંખ્યામાં બાંગ્લાદેશીઓ ઝડપી પાડ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અમદાવાદ અને સુરતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે જાણવા મળી રહ્યું છે કે, બારડોલી અને આસપાસના વિસ્તારોમાંથી પણ 130 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે.
સુરત ગ્રામ્ય પોલીસે મેગા ઑપરેશન હાથ ધરીને આ કાર્યવાહી કરી હતી. સુરત ગ્રામ્ય જિલ્લામાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકો અને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. જે બાદ સુરત ગ્રામ્ય LCB, SOG અને અન્ય સ્કવોડના અધિકારીઓની ચાર ટીમો તથા બારડોલી ટાઉન, રૂલર, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી અને સ્થાનિક પોલીસની કુલ 8 ટીમો મળી સુરત જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવવામાં આવી હતી.
આ ઑપરેશન હેઠળ બારડોલી ટાઉનમાંથી 2, પલસાણામાંથી 29, કડોદરામાંથી 14, કામરેજમાંથી 20, કીમમાંથી 7, કોસંબામાંથી 13, ઓલપાડમાંથી 18 અને માંડવીમાંથી 9 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ પહેલાં પણ સુરત અને અમદાવાદમાં ઑપરેશન હેઠળ અનેક બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી.