દિલ્હીમાં એક દાયકાના શાસન બાદ વિધાનસભા ચૂંટણીમાં ઊંધે માથે પછડાટ ખાધા બાદ હવે આમ આદમી પાર્ટી માટે વધુ એક આફત આવી છે. MCDમાં પાર્ટીના 13 કાઉન્સિલરોએ રાજીનામાં ધરી દીધાં છે અને એક નવો મોરચો બનાવ્યો છે.
MCDમાં AAPના પૂર્વ નેતા મુકેશ ગોયલની આગેવાનીમાં આ કાઉન્સિલરોએ ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામની એક નવી પાર્ટી રચવાની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં ગોયલ AAPની ટિકિટ પર આદર્શ નગર બેઠક પરથી લડ્યા હતા, પણ હાર ચાખવી પડી હતી.
કાઉન્સિલરોએ કારણ એ આપ્યું છે કે 2022માં દિલ્હી નગર નિગમમાં સત્તામાં આવ્યા છતાં પાર્ટીનું શીર્ષ નેતૃત્વ સુચારુ રીતે સંચાલન કરવામાં નિષ્ફળ રહ્યું અને નેતૃત્વ અને કોર્પોરેટરો વચ્ચે સમન્વય પણ ન રહ્યો. જેના કારણે જનતાને કરવામાં આવેલા વાયદાઓ પૂર્ણ થઈ શક્યા નથી.
તમામ હવે ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામનો નવો પક્ષ બનાવશે. જોકે તેમણે કહ્યું છે કે તેઓ વિપક્ષમાં બેસશે અને ભાજપ સાથે કોઈ પ્રકારનું ગઠબંધન કરશે નહીં.