‘હિંદુપત’ (હિન્દુઓના વડા) તરીકે ઓળખાતા મેવાડના મહારાણા સંગ્રામ સિંહ ઉર્ફે રાણા સાંગાને ‘ગદ્દાર’ કહેનારા સપા સાંસદ રામજી લાલ સુમન સામે દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા ઘણા લોકોએ સુમનની જીભ કાપવા બદલ લાખો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. દરમિયાન, ચારે બાજુથી ટીકાનો સામનો કરી રહેલા રામજી લાલે એક વિડીયો જારી કરીને માફી માંગી છે અને કહ્યું છે કે, “મારો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો.”
વિરોધના ઉપક્રમમાં આગ્રામાં અખિલ ભારતીય હિંદુ મહાસભાના કાર્યકરોએ સપા સાંસદનું પુતળું સળગાવીને સૂત્રોચ્ચાર કર્યો છે. મહાસભાએ હરિ પર્વત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને રામજી લાલ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. હિંદુ કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે, જો 24 કલાકની અંદર સપા સાંસદ વિરુદ્ધ કેસ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
તે જ સમયે, મહાસભાની મહિલા પાંખના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે રામજી લાલની જીભ કાપનાર વ્યક્તિને ₹1 લાખ રોકડા આપવાની જાહેરાત કરી છે. મીરા રાઠોડે નોટોના બંડલ બતાવીને આ જાહેરાત કરી છે. આ ઉપરાંત, મથુરા સ્થિત સનાતન ધર્મ રક્ષાપીઠના પીઠાધીશ્વર કૌશલ કિશોર ઠાકુરે રામજી લાલની જીભ કાપનાર વ્યક્તિને ₹11,01,108નું ઈનામ આપવાની જાહેરાત કરી છે.