Monday, June 23, 2025
More

    ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગમાં 11નાં મોત, 33ને ઈજા: RCBની જીતની ઉજવણી માટે યોજાયો હતો કાર્યક્રમ; 35 હજારની સ્ટેડિયમની ક્ષમતા, લોકો આવ્યા 3 લાખ

    કર્ણાટકની રાજધાની બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે (4 જૂન) આયોજિત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની IPL જીતની ઉજવણી અમુક પ્રશંસકો માટે જીવલેણ સાબિત થઈ. સ્ટેડિયમની બહાર નાસભાગ મચતાં 11 લોકોનાં મોત થયાં હોવાના સમાચાર છે. જ્યારે 33ને ઈજા પહોંચી છે. 

    આંકડો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેર કર્યો છે. મૃતકોના પરિજનો માટે રાજ્ય સરકારે ₹10 લાખની જાહેરાત કરી અને ઈજાગ્રસ્તોને સરકાર સારવાર પૂરી પાડશે એમ પણ કહ્યું. 

    રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધારમૈયાએ જણાવ્યું કે સ્ટેડિયમની ક્ષમતા માત્ર 35 હજાર લોકોની છે, પરંતુ ત્યાં 3 લાખ લોકો પહોંચી ગયા હતા. બહાર નાસભાગ મચી ગઈ, જેમાં ઘણા લોકોને ઈજા પહોંચી અને અમુક મૃત્યુ પણ પામ્યા. 

    ઉલ્લેખનીય છે કે 3 જૂનના રોજ યોજાયેલી IPLની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ બીજા દિવસે હોમગ્રાઉન્ડ બેંગ્લોર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો પહોંચ્યા. પરંતુ ટોળું એટલું મોટું થઈ ગયું કે સ્થિતિ નિયંત્રણની બહાર જતી રહી અને નાસભાગ મચી ગઈ. 

    ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમના આયોજન મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.