Wednesday, June 25, 2025
More

    ‘કોઈ અમારી બહેનોના સિંદૂર મિટાવશે તો તે પણ મટી જશે’: દાહોદમાં PM મોદીનું સંબોધન, કહ્યું- આજના દિવસે જ મેં પહેલીવાર વડાપ્રધાન પદના લીધા હતા શપથ

    વડાપ્રધાન મોદી વડોદરાથી હવે દાહોદ પહોંચ્યા છે. અહીં તેમણે રેલ મંત્રાલય દ્વારા 24,405 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિમી રેલ લાઈન ઇલેક્ટ્રિફીકેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ 2287 કરોડના કામો સહિત રેલવેના કુલ 23,692 કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે. વધુમાં દાહોદમાં 9000 HPનું પ્રથમ સ્વદેશી લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે.

    વધુમાં વડાપ્રધાન મોદીએ દાહોદમાં સભાને પણ સંબોધિત કરી હતી. તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે, આવી રીતે જ તિરંગા ફરકતા રહેવા જોઈએ. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, “આજે 26 મેનો દિવસ છે. 2014માં આજના જ દિવસે મેં પહેલી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોએ આશીર્વાદ આપ્યા પછી દેશના લોકોએ પણ આશીર્વાદ આપવામાં કોઈ ખોટ નથી રાખી.”

    તેમણે કહ્યું કે, “આજે દેશ બધી રીતે આગળ વધી રહ્યો છે. દેશ અંધકારને ચીરીને પ્રકાશમાં તિરંગો લહેરાવી રહ્યો છે.” વધુમાં તેમણે મેન્યુફેક્ચરિંગ વિશે પણ વાત કરી હતી. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, ગુજરાતના રેલ નેટવર્કનું 100 ટકા વીજળીકરણ કરી નાખવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે દાહોદ સાથેના તેમના જૂના સંબંધોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, “આજે પરસેવો આપણો, પૈસા પણ આપણાં અને પરિણામ પણ આપણું.” વધુમાં તેમણે ઑપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, “જો કોઈ અમારી બહેનોના સિંદૂર મિટાવશે તો તેનું મટી જવું નક્કી છે.”