છત્તીસગઢના નક્સલ પ્રભાવી વિસ્તાર સુકમા જિલ્લામાં ફરી એક વખત સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં 10 નક્સલીઓ ઠાર મરાયા છે.
શુક્રવારે (22 નવેમ્બર) બસ્તરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ પી સુંદરરાજે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સુકમા જિલ્લાના દક્ષિણ ભાગમા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સ અને માઓવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યું હતું.
એનકાઉન્ટરમાં 10 નક્સલીઓ ઠાર મરાયા છે. તેમની પાસેથી AK-47, SLR વગેરે હથિયારો મળી આવ્યાં હતાં. માર્યા ગયેલા તમામના મૃતદેહો પણ મળી આવ્યા છે.
ઑપરેશન બાદ પણ વિસ્તારમાં હાલ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
નક્સલવાદને ખતમ કરવાના મોદી સરકારના મિશનના ભાગરૂપે છત્તીસગઢમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 257 નક્સલીઓ ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે 861ની ધરપકડ કરવામાં આવી અને 789એ આત્મસમર્પણ કર્યું. જ્યારે નક્સલી હુમલાઓમાં થતાં મૃત્યુમાં 90%નો ઘટાડો આવ્યો છે.