એક તરફ દિવાળીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને બીજી તરફ રાજકોટની 10 હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી એક ઇ-મેઇલ દ્વારા આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલને એક સાથે મેઇલ આવ્યો છે. આ ધમકીના પગલે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.
મહત્વનું છે કે ક્રિકેટની મેચો દરમિયાન ખેલાડીઓ જે હોટલમાં રોકાય છે તે હોટલને આ પ્રકારે ધમકી આપવામાં આવી છે. ઘટનાની સંવેદનશીલતાને જોતા અને તહેવારના સમયમાં આ પ્રકારની ધમકી ભર્યા ઇ-મેઇલ મોકલવામાં આવતા પોલીસ હરકતમાં આવી છે. રાજકોટ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો હોટેલ્સ ખાતે પહોંચ્યો હતો.
પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે આ ધમકીઓ ક્યાંથી અને કોના દ્વારા આપવામાં આવી છે. નોંધવું જોઈએ કે, થોડા સમય પહેલાં જ કેટલીક ફ્લાઇટ્સને ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. તે સમયે પણ તાત્કાલિક સુરક્ષા એકમો ચકાસવામાં આવ્યા હતા. પરંતુ તે માત્ર પોકળ ધમકીઓ સાબિત થતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.