તાજેતરમાં વાજિદશા દીવાન નામના ઇસમે વડોદરાની 12 સાયન્સમાં ભણતી અને માંજલપુરમાં રહેતી બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે બાળકીની માતાની ફરિયાદ પર માંજલપુર પોલીસે તેની ધરપકડ કરી હતો. આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા મારફતે બાળકીને ફસાવી હતી.
આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ પોલીસ તેની ન્યાયિક કસ્ટડી મેળવીને તેની પૂછપરછ કરી રહી છે. આરોપ છે કે આરોપીએ તેના મિત્રના ત્યાં લઈ જઈને બાળકીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે, વાજિદે અન્ય કોઈ સગીરાને ફસાવી હતી કે કેમ. આ ઉપરાંત તેના મિત્રના ઘરની તપાસ પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
નોંધવું જોઈએ કે, માંજલપુર પોલીસ સ્ટેશનના PI ગમારાએ આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી વાજિદશા ઈદ્રીશશા દીવાન મૂળ કરજણ પાસેના એક ગામનો રહેવાસી છે અને તે હાલ મકરપુરા મેઈન બજાર ખાતે આવેલી ESI હોસ્પિટલની બાજુમાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતા જ્યારે પોતાની માતા સાથે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવી રહી હતી ત્યારે તે પોક મૂકીને રડવા માંડી હતી.