Wednesday, March 26, 2025
More

    ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી શ્રમિકો દબાયા: 15નો બચાવ, 42ના રેસ્ક્યુ માટે પ્રયાસો ચાલુ 

    ઉત્તરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા માણા નામના ગામમાં એક ગ્લેશિયર તૂટવાથી કામ કરતા અનેક શ્રમિકો બરફમાં દબાઈ ગયા છે. કુલ 57 વ્યક્તિઓ દબાયા હતા, જેમાંથી 16નો બચાવ કરી લેવામાં આવ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. બાકીનાનું રેસ્ક્યુ હાલ ચાલી રહ્યું છે. 

    ઘટના શુક્રવારે (28 ફેબ્રુઆરી) બની. ઘટના સમયે સ્થળ પર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરના શ્રમિકો કામ કરી રહ્યા હતા. ગ્લેશિયર તૂટવાથી ભાગદોડ મચી ગઈ અને અમુક બચી ગયા પણ બાકીના દટાઈ ગયા હતા. 

    દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. SDRF તેમજ NDRFની ટીમો સ્થળ પર પહોંચી છે. આ ઉપરાંત, જિલ્લા તંત્રના અધિકારીઓ પણ હાજર છે અને ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના (ITBP) જવાનો પણ સ્થળ પર હાજર છે. એક SDRFની ટીમ જોશીમઠથી પણ રવાના કરવામાં આવી છે અને અન્ય દહેરાદૂનમાં સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. 

    મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ ઘટનાનું સંજ્ઞાન લઈને અધિકારીઓને રેસ્ક્યુ ઑપરેશન ચલાવવાના આદેશ આપ્યા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.