ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં રવિવારે (24 નવેમ્બર 2024) મુસ્લિમ ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. કોર્ટના આદેશ પર જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી અધિકારીઓની ટીમ પર ટોળું તૂટી પડ્યું હતું. હુમલામાં 24થી વધુ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ટોળામાં સામેલ 5 લોકોનાં પણ સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયાં હતાં.
આ ઘટના બાદથી પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે. ત્યારે હવે આ સમગ્ર કેસની તપાસમાં સામે આવ્યું છે કે ઘટનાના દિવસે હિંસક ટોળું અલ્લાહુ અકબરના નારા લગાવીને ધસી આવ્યું હતું. આટલું જ નહીં, આરોપીઓ પાસે પિસ્તોલ અને કારતૂસ પણ હતાં. પોલીસે આરોપીની ધરપકડ કરતાંની સાથે જ તેમની પાસેથી આ હથિયારો મળી આવ્યાં છે. સમગ્ર કેસમાં ચોંકાવનારી બાબત તે છે કે આરોપીઓની ઉંમર 14થી લઈને 72 વર્ષની વચ્ચે છે.
સંભલ પોલીસ સ્ટેશનના SHO ઇન્સ્પેક્ટર અનુજકુમાર તોમર દ્વારા આ કેસમાં FIR દાખલ કરવામાં આવી છે. રવિવારે દાખલ કરવામાં આવેલી આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે 24 નવેમ્બરના રોજ તેઓ પોતાના સાથી પોલીસકર્મીઓ સાથે સંભલની જામા મસ્જિદમાં સર્વેક્ષણ દરમિયાન ફરજ પર હતા. પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને હાજર પોલીસ કર્મચારીઓ સાવચેતીના પગલા રૂપે કારતૂસ, ટીયરગેસના સેલ અને અન્ય સુરક્ષાના સાધનોથી સજ્જ હતા. હજુ ટીમની કામગીરી ન થઈ ત્યાં જ અચાનક 800થી 900 લોકોનું ટોળું ઝડપથી મસ્જિદ તરફ આગળ વધવા લાગ્યું.
અલ્લાહુ-અકબરના નારા લગાવી રહ્યું હતું ટોળું
ફરિયાદ કરનાર અધિકારીએ દાવો કર્યો હતો કે ભીડ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહી હતી. કેટલાક પોલીસકર્મીઓએ ટોળાને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પોલીસે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મસ્જિદને કોઈ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું નથી. પરંતુ ભીડમાંથી કોઈ પણ તેમની વાત સાંભળવા તૈયાર નહોતું. સવારે 8:45 વાગ્યે ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને મસ્જિદથી માત્ર 100 મીટરના અંતરે પહોંચી ગયું હતું.
અચાનક જ ટોળાએ સુરક્ષા કતાર બનાવીને ઉભેલા પોલીસકર્મીઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું. અનેક પોલીસકર્મીઓને માર મારીને તેમના હથિયાર લૂંટી લેવામાં આવ્યાં હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ વધારાના દળોની માગણી કરવામાં આવી હતી. કેટલાક પોલીસકર્મીઓને તેમના ઘાયલ સુરક્ષાકર્મીઓને સારવાર અર્થે મોકલવા માટે લગાવી દેવામાં આવ્યા. ફરિયાદ કરનાર SHOએ ટોળાને લૂંટાયેલાં હથિયારો પાછાં આપવા અપીલ પણ કરી હતી, પણ બદલામાં તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
કોન્સ્ટેબલથી લઈને SDM, ટોળાએ કોઈને ન બક્ષ્યા
સંભલના SHO સાથે-સાથે કૈલાસદેવી, રાજપુરા અને કુધફાતેહગઢના SHO પણ પથ્થરમારામાં ઘાયલ થયા હતા. ટોળા દ્વારા શરૂ કરવામાં આવેલી હિંસામાં SDM રમેશ બાબુ પણ ઘાયલ થયા. જોતજોતામાં હિંસક ભીડે DSP અનુજ ચૌધરી અને SP સંભલના પીઆરઓને (પબ્લિક રિલેશન ઓફિસર) પણ માર મારીને ઘાયલ કરી દીધા. સર્વેક્ષણ ટીમ સુધી પહોંચા સુધીમાંતો હિંસક ટોળાએ RAFના કોન્સ્ટેબલ સોનુ સહિત ઉત્તર પ્રદેશ પોલીસના અનેક જવાનોને ઘાયલ કરી દીધા.
ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ઘાયલ થયા બાદ પણ અધિકારીએ પ્રવેશ નિષેધ લાગુ હોવાનું કહીને ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ જો ટોળું વાત ન માને તો બળપ્રયોગની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ સાંભળીને શાંત થવાના બદલે ટોળાએ પોતાની હિંસા વધુ તીવ્ર બનાવી દીધી હતી. પોલીસ પર પથ્થરો સાથે-સાથે ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. જાહેર મિલકતોની તોડફોડ પણ શરૂ થઈ. સાથે જ એક સંરક્ષિત દીવાલ પણ તોડીને ટાયરો સળગાવીને આગચંપી શરૂ કરી દેવામાં આવી હતી.
પોલીસનું માનવું છે કે ટોળાના આ કૃત્યોથી શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી અને સામાન્ય લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. અનેક દુકાનદારોએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી અને લોકો પોતપોતાના ઘરમાં ભરાઈ ગયા હતા. બળપ્રયોગ કરીને પોલીસે ટોળાને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેની કશી જ અસર ન થઈ અને પથ્થરમારો ચાલુ રહ્યો હતો. ત્યારે જ જિલ્લાના ડીએમએ હળવા બળપ્રયોગ કરવાનો આદેશ આપ્યો હતો.
રમખાણ મચાવવામાં 14 વર્ષના સગીરથી લઈને 72 વર્ષના વૃદ્ધ પણ
પોલીસે ટોળાને વિખેરવા રબરની ગોળીઓ અને અશ્રુવાયુના શેલ છોડ્યા હતા. હુમલાખોરોએ બદલામાં પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન પોલીસે હુમલો કરી રહેલા 21 બદમાશોની ધરપકડ પણ કરી હતી. આરોપીઓની ઓળખ મોહમ્મદ શાદાબ (19) અને મોહમ્મદ રિહાન (19) સામેલ હતા. આ બંને આરોપીઓ સંભલની જામા મસ્જિદની આસપાસના બજારોના રહેવાસી છે. પકડાયેલા ત્રીજા આરોપીનું નામ ગુલ્ફામ છે.
પોલીસની કાર્યવાહીમાં ઝડપાયેલો ચોથો આરોપી અમન છે. પાંચમા આરોપીનું નામ મોહમ્મદ સલીમ છે. 30 વર્ષીય મોહમ્મદ સલીમની તલાશી લેતા પાંચ પ્લાસ્ટિકની ગોળીઓ મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે તે પોલીસ પાસેથી લૂંટવામાં આવી હતી. છઠ્ઠા આરોપીની ઓળખ 19 વર્ષના મોહમ્મદ સમીર તરીકે થઈ છે. સાતમો આરોપી 37 વર્ષીય યાકુબ છે, જેની પાસેથી તેના 12 બોરની પિસ્તોલ અને બેરલમાં ફસાયેલો કારતૂસ મળી આવ્યા છે.
આઠમો આરોપી 19 વર્ષનો સલમાન છે. નવમો આરોપી 30 વર્ષીય રિહાન અલી પોલીસ પાસેથી લૂંટાયેલી બે રબરની ગોળીઓ સાથે ઝડપાયો હતો. 10મો આરોપી 72 વર્ષીય વ્યક્તિ મોહમ્મદ બાબુ છે. 11મો આરોપી મોહમ્મદ હૈદર 22 વર્ષનો છે, જેની પાસે પોલીસ પાસેથી લૂંટાયેલા ત્રણ બ્લેન્ક કારતૂસ હોવાનું જાણવા મળ્યું છે. 12મો આરોપી 22 વર્ષીય યામીન છે. પોલીસને યામીનના કબજામાંથી 12 બોરના બે જીવંત કારતૂસ મળી આવ્યા હતા. 13મો આરોપી 30 વર્ષનો સલીમ છે.
પોલીસે ઝડપેલા 14મા આરોપી પાસેથી એક પિસ્તોલ અને બે કારતૂસ મળી આવ્યા છે. તેમાંથી એક કારતૂસ આફતાબે પિસ્તોલમાં લોડ કરી રાખ્યો હતો. 15મા આરોપીની ઓળખ 58 વર્ષીય મોહમ્મદ નદીમ તરીકે થઈ છે. 16મા અને 17મા આરોપીઓની ઓળખ 22 વર્ષીય ફિરોઝ અને ફરદીન તરીકે થઈ છે, બંનેની ઉંમર એક જ સરખી છે. પકડાયેલા 18મા આરોપીનું નામ 25 વર્ષીય મોહમ્મદ તેહઝીબ છે, જેની પાસે .315 બોરની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તેમાંથી એક કારતૂસ પિસ્તોલમાં લોડ કરી રાખવામાં આવ્યો હતો.
સંભલ હિંસામાં માર્યા ગયેલા મોટાભાગના લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં .315 બોરની ગોળીઓ વાગી હોવાનું જાણવા મળ્યું છે. ધરપકડ કરાયેલો 19મો આરોપી 46 વર્ષનો નઈમ છે. આ બધા સિવાય રમખાણના આરોપીઓમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે. જેમાંથી એકની ઉંમર 16 વર્ષ અને બીજી માત્ર 14 વર્ષની છે.
માત્ર પોલીસ જ નહીં, તેમનાં વાહન પણ ટાર્ગેટ પર
મહત્વનું છે કે હિંસા દરમિયાન બદમાશોએ પોલીસકર્મીઓની 3 ખાનગી ગાડીઓને પણ સળગાવીને નિશાન બનાવી હતી. સુરક્ષા દળોની ચાર ખાનગી બાઇકોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ તમામ પોલીસકર્મીઓને જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ઇમરજન્સી ડ્યૂટી પર જામા મસ્જિદ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. સરકારી વાહનોને આગ લગાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પથ્થરમારો કરીને ડીએસપીની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. બદમાશોનો એટલો ડર હતો કે કોઈ પણ સ્થાનિક વ્યક્તિ ડરના માર્યા તેમની સામે જુબાની આપવા તૈયાર નહોતા થયા.
પોલીસે સત્તાવાર રીતે આ તમામ 21 આરોપીઓની 24 નવેમ્બરે સાંજે 5:10 વાગ્યે ધરપકડ કરી હતી. તેમની સામે ફોજદારી કાયદા સુધારા-1932ની કલમ 7 સાથે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 191 (2), 191 (3), 190, 109 (1), 125 (a), 125 (b), 221, 132, 121 (1), 121 (2), 324 (4), 223 (b), 326 (f) અને 317 (3) અને ફોજદારી કાયદા સુધારા અધિનિયમ, 1984ની કલમ 3/4 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ પર આર્મ્સ એક્ટની કલમ 7/3/4 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
ઑપઇન્ડિયા પાસે એફઆઇઆરની નકલ ઉપલબ્ધ છે. પોલીસ સંભલ હિંસાના કેસની તપાસ કરી રહી છે અને અન્ય જરૂરી કાનૂની કાર્યવાહી કરી રહી છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય માધ્યમથી અન્ય હુમલાખોરોની શોધખોળ કરવામાં આવી રહી છે. શુક્રવાર (29 નવેમ્બર) ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી. બીજી તરફ ઘાયલ પોલીસકર્મીઓની સારવાર ચાલી રહી છે.