1 માર્ચે કર્ણાટકના પાટનગર બેંગ્લોર સ્થિત રામેશ્વરમ્ કાફેમાં થયેલા બ્લાસ્ટ મામલે NIAએ મુઝમ્મિલ શરીફ નામના એક ઇસમની ધરપકડ કરી છે. તેણે બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું રચવામાં ભાગ ભજવ્યો હોવાનું અને અન્ય બે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ એજન્સી બાકીના 2ને શોધી રહી છે.
ગુરુવારે (28 માર્ચ) NIAએ એક અખબારી યાદીમાં આ બાબતની જાણકારી આપી હતી. એજન્સીએ જણાવ્યું કે, અનેક રાજ્યોમાં અનેક ઠેકાણે દરોડા પાડ્યા બાદ મુઝમ્મિલ શરીફ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, જે ષડ્યંત્ર રચવામાં સામેલ હતો. NIAની ટીમોએ કર્ણાટકમાં 12, તમિલનાડુમાં 5 અને ઉત્તર પ્રદેશમાં 1 ઠેકાણે દરોડા પાડ્યા બાદ શરીફને કસ્ટડીમાં લીધો હતો.
NIA Arrests 1 in Rameshwaram Cafe Blast Conspiracy After Massive Multi-State Raids pic.twitter.com/QI4ZpvBpQV
— NIA India (@NIA_India) March 28, 2024
NIAએ જણાવ્યું કે, આ કેસમાં મુખ્ય આરોપીની ઓળખ મુસાવિર શાઝીબ હુસૈન તરીકે થઈ છે, જેણે બ્લાસ્ટ કર્યો હતો. જ્યારે તેની સાથે અન્ય એક આતંકવાદી અબ્દુલ તાહાનું નામ પણ ખૂલ્યું હતું, જે અન્ય એક કેસમાં પણ વૉન્ટેડ છે અને એજન્સી તેને શોધી રહી છે. આ બંને હાલ ફરાર ચાલી રહ્યા છે અને શોધખોળ ચાલુ છે.
NIAની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે મુઝમ્મિલ શરીફે અન્ય બે આરોપીઓને આ કેસમાં લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડયો હતો. ત્યારબાદ 1 માર્ચે મુસાવિરે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. CCTV ફૂટેજમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે અને જેની ઉપર એજન્સીએ 1 લાખનું ઇનામ ઘોષિત કર્યું છે, તે મુસાવિર જ છે. તે હાલ ફરાર છે. તેનો સાથી અબ્દુલ પણ ફરાર ચાલી રહ્યો છે.
એજન્સીએ ઉમેર્યું કે, આ ત્રણેય આરોપીઓનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની દુકાનો અને અન્ય ઠેકાણાં પર પણ તપાસ કરવામાં આવી. સર્ચ ઑપરેશન દરમિયાન અનેક ડિજિટલ ડિવાઇસ પણ જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં તો સાથે અમુક રોકડ રકમ પણ મળી આવી. આગળ જણાવવામાં આવ્યું કે, ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયાસો ચાલુ છે. આ બ્લાસ્ટ પાછળનું શું ષડ્યંત્ર છે તે જાણવા માટે એજન્સી હાલ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે.
આ બ્લાસ્ટ 1 માર્ચ, 2024ના રોજ બેંગ્લોરના એક રામેશ્વરમ્ કાફેમાં થયો હતો, જેમાં 9 લોકોને ઈજા પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં તે બૉમ્બ બ્લાસ્ટ હોવાનું સામે આવ્યું હતું. બ્લાસ્ટ પછી જે CCTV ફૂટેજ સામે આવ્યા, તેમાં એક વ્યક્તિ બૉમ્બ પ્લાન્ટ કરતો જોવા મળ્યો હતો. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.