ઑપઇન્ડિયા ગુજરાતીમાં શા માટે?

મારો જન્મ, શિક્ષણ અને મોટા ભાગનું જીવન અમદાવાદ, ગુજરાતમાં વીત્યું છે. નાનપણથી મારા પપ્પાએ મને છાપાં વાંચવાની આદત પડાવી, કે દેશ-દુનિયામાં શું થઇ રહ્યું છે તે મારે જાણવું જોઈએ. નાની હતી ત્યારે તો બહુ ખબર નહોતી પડતી, પણ જેમ જેમ મોટી થઇ તેમ લાગ્યું કે હું જે જોઉં છું અને જે છાપાંમાં છપાય છે તેમાં ઘણું અંતર છે.

આ હકીકત સૌ પ્રથમ મેં 2002ના કોમી રમખણોમાં અનુભવી. ગુજરાતી ભાષાના સમાચાર પત્રો, જે વાંચીને સવાર પડે તેમાં ફક્ત અને ફક્ત પાનાંઓ ભરીને ફોટા છપાતા હતા કે જુઓ, આ નરેન્દ્ર મોદીના રાજમાં સમુદાય વિશેષના લોકોને મારવામાં આવે છે. જયારે ગોધરામાં કારસેવકોને જીવતા સળગાવામાં આવ્યા હતા તેનો કશે ઉલ્લેખ પણ ન હતો. ન તો ગોધરામાં 60 હિન્દુઓને જીવતા સળગાવવાને વ્યાજબી ગણી શકાય કે ન તો તેના પછી ફાટી નીકળેલા કોમી રમખાણોને. પણ રમખાણોમાં જે મૃત્યુ પામ્યા તે જયારે તેમના ધર્મના નામે ઓળખાવા લાગ્યા ત્યારે તેની પાછળનું પોલિટિક્સ સમજાયું. અહીંયા માનવ જીવનું મહત્વ નહિ, એની પાછળના વોટનું મહત્વ છે .

ધીરે ધીરે આ ‘બાયસ’ વધુ ધ્યાનથી દેખાવા મંડ્યો. મોદી વિરુદ્ધ બનતા બનતા અમુક લોકો દેશ વિરુદ્ધ બની ગયા. મિડિયા સંપાદકોના અંગત વિચાર સમાચાર બની હેડલાઈન બની ગયા અને ઉદ્દેશ્ય ક્યાંય ખોવાઈ ગયો.

નિરપેક્ષ મીડિયા જેવું કઈ નથી તે પણ સમજાયું.

તે વાતને વીસ વર્ષ થયા. ઘણો સમય વીત્યો, ઘણું શીખ્યું, જાણ્યું અને સમજ્યું.

અમે નથી કહેતા કે અમે ‘ન્યુટ્રલ’ છીએ. અમે દેશ, ધર્મ માટે બોલીયે છીએ. જ્યાં દેશ અને હિન્દુ હિતની વાત આવશે ત્યાં અમે ડર્યા વગર ઉભા રહીશું.

એક ‘મિસિંગ સ્પેસ’ છે ગુજરાતી મીડિયામાં, જ્યાં ઘોંઘાટ વચ્ચે અમે એક સ્પષ્ટ રાષ્ટ્રવાદી અવાજ બની આવી રહ્યા છીએ. ‘ન્યુટ્રલ’ મિડિયાના બાયસની સામે પડવા અને દેશ વિરોધી તત્વોને ખુલ્લા કરવા અમે આવી રહ્યા છીએ.

તમારા સાથ અને સહકાર ની અપેક્ષા છે, અને તેના બદલ ખૂબ ખૂબ આભાર.

-નિરવા મહેતા

અમને સોશિયલ મીડીયા પર ફોલો કરવા ક્લિક કરો