મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા સાથે ગુજરાતની વાવ વિધાનસભા બેઠક (Vav By election) પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી, જેનાં પરિણામો પણ જાહેર થઈ રહ્યાં છે. અહીં મતગણતરી શરૂ થઈ ત્યારથી જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા, પરંતુ અંતિમ ત્રણ રાઉન્ડમાં બાજી પલટાઈ ગઈ અને આખરે ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે (Swaroopji Thakor) જીત મેળવી લીધી.
વાવ બેઠક પર ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2500ની લીડથી વિજયી બન્યા છે. 23 રાઉન્ડની ગણતરીમાં અંતિમ ત્રણ રાઉન્ડમાં તેમણે જંગી લીડ મેળવી લીધી અને કોંગ્રેસ ઉમેદવારને ઓવરટેક કરીને આગળ નીકળી ગયા.
સ્વરૂપજી ઠાકોરની જીત બાદ હવે શુભકામનાઓ પણ આવવાની શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
સીએમ પટેલે લખ્યું કે, “વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન. ભાજપાની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.”
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 23, 2024
ભાજપાની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.
આ બેઠક પર વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોરે ઉમેદવારી કરી હતી અને જીત મેળવી લીધી હતી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગેનીબેનને બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ આપી હતી, ત્યારબાદ તેમણે અહીં જીત પણ મેળવી. જેથી ધારાસભ્ય પદેથી વાવ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. જેથી પેટાચૂંટણી કરવાની ફરજ પડી હતી.
પેટાચૂંટણીમાં ભાજપે 2022માં ગેનીબેન સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે થરાદના પૂર્વ MLA ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. અહીંથી ભાજપના પૂર્વ નેતા માવજીભાઈ પટેલે પણ ઉમેદવારી કરતાં પાર્ટીની ચિંતા વધી હતી. બીજી તરફ, બનાસકાંઠામાં જાતિગત સમીકરણો પણ કામ કરતાં હોવાથી ચૂંટણી રસપ્રદ બની હતી.
પરિણામો જાહેર થયાં ત્યારે ગુલાબસિંહ રાજપૂતે પહેલા રાઉન્ડથી લીડ મેળવી હતી. 20 રાઉન્ડ સુધીમાં તેઓ 8 હજાર મતોની લીડ મેળવી ચૂક્યા હતા અને મીડિયામાં તો અનૌપચારિક રીતે તેમની જીતનું અનુમાન પણ લગાવવાનું શરૂ કરી દેવાયું હતું. પરંતુ 20મા રાઉન્ડથી બાજી પલટાઈ ગઈ.
ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની મતપેટીઓ ખુલતી ગઈ તેમ સ્વરૂપજી ઠાકોર લીડ મેળવતા ગયા અને 21મો રાઉન્ડ આવતાં સુધીમાં તેઓ આગળ નીકળી ગયા. 23 રાઉન્ડને અંતે તેઓ 2500થી વધુ મતની લીડ સાથે જીતી ચૂક્યા છે.