થોડા દિવસો પહેલાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મેરાઉ ગામના અલીમામદ નામના એક મુસ્લિમ યુવકને ઢોર માર મારીને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં માંડવી પોલીસે આરોપીઓ અકબરશા અબ્દુલશા સૈયદ, હકીમશા કાદરશા સૈયદ, જૈનુલશા કાસમશા સૈયદ અને અલીઅસગર ઈબ્રાહીમશા સૈયદ વિરુદ્ધ IPCની કલમો 365, 341, 323, 506 (2), 120(b) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આરોપીઓએ અલીમામદને એ હદે માર માર્યો છે કે તેની કિડની પર મારની અસર થઇ છે. ઑપઇન્ડિયા આ પીડિત યુવક સુધી પહોંચ્યું. વાતચીત દરમિયાન અલીમામદે પોતાની સાથે શું બન્યું હતું તે વિગતવાર જણાવ્યું.
અલી હાલ ભુજ છે અને ત્યાંની સરકારી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર વધુ પડતા મારના કારણે તેમની કિડની પર ગંભીર અસર થઈ છે. સ્થિતિ ગંભીર છે અને હૉસ્પિટલના ડૉક્ટરોએ પણ જણાવ્યું છે કે સારવાર લાંબી ચાલશે. તબિયત વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, મૂઢમાર વધુ વાગ્યો હોવાના કારણે આટલા દિવસની સારવાર પછી પણ વીસેક ટકા જેટલો જ ફેર પડ્યો છે. પછી કહે છે કે, હાલ હું ખૂબ જ પીડામાં છું.
‘હું મુસ્લિમ છું, પણ તમામ ધર્મોમાં માનું છું એટલે મને ધમકીઓ આપી’
પોતાની સાથે ઘટેલી આખી ઘટના વર્ણવતાં અલીમામદે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “હું મેરાઉમાં (કચ્છ) રહું છું અને મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. પરિવારમાં મારે એક પુત્રી જ છે. આ આખી ઘટના ચૂંટણી પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. હું મુસ્લિમ છું, પણ મને તમામ ધર્મો પ્રત્યે લાગણી છે. ખાસ કરીને હિંદુ ધર્મ પ્રત્યે મને આસ્થા છે. અમારા ગામ કે આસપાસમાં ક્યારેય કોઈ કથા કે અન્ય ધાર્મિક કાર્યક્રમો સાંભળવા પણ જાઉં છું. મારો આ સ્વભાવ જ એ લોકોને (આરોપીઓ) ખટકી ગયો. હું મુસ્લિમ છું, પણ મને મારનારા લોકો કાયમ મને કહેતા કે તું વટલાઈ ગયો છે અને તે ધર્માંતરણ કરી દીધું છે. અમને એ લોકોએ અનેક વાર ધમકીઓ પણ આપી હતી પણ મેં તે તરફ ધ્યાન નહતું આપ્યું. તેવામાં હકીમશા ઈબ્રાહીમશા સૈયદે મને અને મારી દીકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી એટલે મેં તે સમયે ફરિયાદ આપી હતી.”
ભાજપને સમર્થન આપવાના કારણે આખી ઘટના ઘટી
તેમણે આગળ જણાવ્યું કે, “હું ભારતીય જનતા પાર્ટીનું પણ સમર્થન કરું છું. આપણા દેશમાં લોકશાહી છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મમાં માની શકે અને કોઈ પણ પાર્ટીને સમર્થન આપી શકે અને તે મારો અધિકાર છે. બાજુના શિરવા ગામમાં મારો એક મિત્ર છે અને મારા વિચારોથી પ્રભાવિત થઈને તે પણ ભાજપને સમર્થન આપતો થયો અને આ વાત આરોપીઓ અકબરશા અબ્દુલશા સૈયદ, હકીમશા કાદરશા સૈયદ, જૈનુલશા કાસમશા સૈયદ અને અલીઅસગર ઈબ્રાહીમશા સૈયદને ખટકી ગઈ.”
તેમણે આગળ કહ્યું કે, “આ બધા વચ્ચે અમારા સ્થાનિક ભાજપના ધારાસભ્યની સભા હતી અને મારા મિત્રને તેમણે બધા વચ્ચે આવકાર્યો. પેલા લોકો (આરોપી પક્ષ) કોંગ્રેસને સમર્થન આપે છે, એટલે એ લોકોએ અમને દાઝમાં રાખ્યા. મારા મિત્રએ મને આરોપીઓ હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને મેં તેને પોલીસની મદદ લેવાનું પણ આશ્વાસન આપ્યું હતું. પરંતુ તે દરમિયાન આરોપીઓએ મારા મિત્રને ગાળો ભાંડીને તેની સાથે ઝપાઝપી કરી હતી.
રસ્તા પરથી મને ઉઠાવી લીધો અને ઢોર માર માર્યો- અલીમહોમ્મદ
તેઓ આગળ કહે છે કે, “હું મેરાઉ આવી રહ્યો હતો ત્યારે અકબરશા અબ્દુલશા સૈયદ, હકીમશા કાદરશા સૈયદ, જૈનુલશા કાસમશા સૈયદ અને અલીઅસગર ઈબ્રાહીમશા સૈયદ લાલ ગાડીમાં આવ્યા અને મારી બાઈકને ટક્કર મારીને મને નીચે પાડી દીધો. હું હજુ કશું સમજુ તે પહેલાં જ તેમણે મને ઉઠાવીને ગાડીમાં નાખી દીધો. ત્યારબાદ તેઓ મને કાદરશાહે શિરવામાં ગૌચર જમીન પર દબાણ કરીને બનાવેલી ઑફિસે લઇ ગયા. ત્યાં લઇ જઈ તેમણે મારા હાથ પગ બાંધીને મોઢામાં ડૂમો મારી દીધો. ત્યારબાદ આ તમા લોકો મારા પર તૂટી પડ્યા. મને લગભગ અઢીથી-ત્રણ કલાક સુધી ઢોર માર માર્યો.”
મને આ લોકો મારી નાખશે એવો ડર- અલીમહોમ્મદ
તમણે કહ્યું કે, “માર મારીને તે લોકોએ મને ધમકી આપી કે જો હું પોલીસ ફરિયાદ કરીશ તો તેઓ જેવા જેલની બહાર આવશે તેવો જ મને મારી નાંખશે. મને એ હદે માર માર્યો છે કે મારો પેશાબ બંધ થઈ ગયો. મને બેસવાના ભાગે, પીઠમાં અને પગમાં એ હદે માર માર્યો છે કે તમામ જગ્યાએ ચામડી કાળી પડી ગઈ છે. મારીને તેઓ મને ફરી ત્યાં જ નાખી ગયા જ્યાંથી મને ઉઠાવ્યો હતો. હું બેભાન હતો, મને એમ જ હતું કે મને જીવતો નહીં રાખે. જેવો હું ભાનમાં આવ્યો કે તરત મેં 108ને કૉલ કરીને સારવાર માટે માંડવી સરકારી દવાખાને પહોંચ્યો. તેટલામાં પોલીસ પણ આવી અને મેં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
તેઓ આગળ કહે છે કે, “વધુ પડતા મારના કારણે મને ત્યાંથી પહેલાં એક ખાનગી અને બાદમાં ભુજની જનરલ હોસ્પિટલ ખસેડ્યો છે. 10 તારીખે માર માર્યો અને આજે 19 તારીખ થઇ, પણ હજુ સુધી કોઈ સુધાર નથી. મારી કિડની પર ગંભીર અસર થઇ છે. હજુ કેટલા દિવસ હું અહીં દાખલ રહીશ તે મને ખ્યાલ નથી.” આ દરમિયાન તેમણે ઑપઇન્ડિયાને એમ પણ કહ્યું હતું કે તેમને એવો દર છે કે જેવા તેઓ દવાખાનેથી બહાર આવશે તેવા જ આરોપીઓ તેમને મારી નાખશે.
મદદ માટે હિંદુ સમાજ અને સંગઠનોનો આભારી- અલીમહોમ્મદ
આ સાથે જ અલીમામદે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આરોપીઓ એટલા માથાભારે છે કે તેમના ડરથી મારા સમાજના લોકો મારી મદદ કરવા પણ નથી આપી રહ્યા. બધા આરોપીઓ ગેરકાયદેસર ધંધા કરે છે. એમની બીકે એક પણ મુસ્લિમ મને મદદ કરવા નથી આવ્યો. હાલ મારી જે પણ સારવાર ચાલી રહી છે અને મને જે પણ મદદ મળી રહી છે, તે વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં હિંદુ સંગઠનો અને તેમના કાર્યકર્તાઓ દ્વારા મળી રહી છે. આ માટે હું હિંદુ સમાજ અને સંગઠનોનો આભાર માનું છું. પ્રશાસન પાસે મારી માંગ છે કે જે લોકોએ મને આ હદે માર માર્યો છે, તે લોકોને ઝડપીને તેમના વિરુદ્ધ કડકમાં-કડક કાર્યવાહી કરવામાં આવે.” ઉલ્લેખનીય છે કે આ આખી વાતચીત દરમિયાન અલીમામદે એમ પણ જણાવ્યું હતું કે તેઓ એક વાર કાજલ હિન્દુસ્તાનીની સભામાં ગયા હતા અને આરોપીઓને એ વાતની પણ દાઝ હતી.
સમગ્ર મામલે FIR નોંધાઈ ચૂકી છે, પરંતુ આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આરોપીઓની ધરપકડ થઈ હોવાનું ધ્યાને નથી. વધુ માહિતી મેળવવા માટે ઑપઇન્ડિયાએ માંડવી પોલીસનો પણ સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સ્થાપિત ન થઈ શક્યો. પ્રત્યુત્તર મળ્યે કે સંપર્ક થયે રિપોર્ટ અપડેટ કરી દેવાશે.