Saturday, April 20, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકઈંગ્લેન્ડમાં બેસીને દક્ષિણ ગુજરાતમાં કરીયાણાની દુકાન ચલાવનાર આપ સમર્થકે સત્યનો સામનો થતાં...

    ઈંગ્લેન્ડમાં બેસીને દક્ષિણ ગુજરાતમાં કરીયાણાની દુકાન ચલાવનાર આપ સમર્થકે સત્યનો સામનો થતાં ટ્વિટ ડીલીટ કરવી પડી

    સોમવારે આમ આદમી પાર્ટીના એક સમર્થક દ્વારા ગુજરાતને લગતી થયેલી ટ્વિટનો જ્યારે યુઝર્સ દ્વારા પર્દાફાશ થયો ત્યારે પક્ષના આઈ ટી સેલ દ્વારા કેવી પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે તેનો પણ ખ્યાલ લોકોને આવ્યો હતો.

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બસ હવે થોડા જ મહિના દૂર છે. સામાન્ય રીતે ચૂંટણીઓ એક ગંભીર પ્રવૃત્તિ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણને ચૂંટણીઓ મનોરંજન પણ પૂરું પાડતી હોય છે. જ્યારથી આમ આદમી પાર્ટીએ ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવ્યું છે તેનો આઈટી સેલ વારંવાર એવું કશુંક કરી બેસે છે કે જનતાને પુરતું મનોરંજન મળી જાય છે. આવો જ એક કિસ્સો છેલ્લા બે દિવસથી ગુજરાતના સોશિયલ મિડીયામાં ચક્કર મારી રહ્યો છે.

    આમ આદમી પાર્ટીના સમર્થક અથવાતો તેના આઈટી સેલ દ્વારા પુરા પાડવામાં આવેલા તાજા કિસ્સા પર ધ્યાન આપીએ એ પહેલાં આપણે થોડો ઓછો તાજો કિસ્સો મમળાવી લઈએ અને એ કિસ્સો અન્ય કોઈ નહીં પરંતુ આમ આદમી પાર્ટીધિરાજ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સંકળાયેલો છે અને આ જ પ્રકારે ખોટી માહિતી ફેલાવી રહ્યો છે.

    આપણને ખબર જ છે કે તાજેતરમાં જ કેજરીવાલ કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક એવા સોમનાથના દર્શને આવ્યા હતા. એક સમયે હિંદુઓની આસ્થાની મશ્કરી ઉડાવનાર કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથેજ અચાનક જ ધાર્મિક બની ગયા છે. બે દિવસ અગાઉ તેમણે રાજકોટમાં પણ એક મંદિરમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. કેજરીવાલ સાથે ઘણું બધું અચાનક બની જતું હોય છે. જેમ ગુજરાતમાં ચૂંટણીઓ આવતા તેમનામાં હિંદુઓ પ્રત્યે અચાનક જ કુણી લાગણી જન્મી છે એમ એમની સોમનાથની યાત્રા દરમ્યાન અચાનક જ તેમને એક વડીલ મળી ગયા હતા.

    - Advertisement -

    કેજરીવાલની આ વડીલ સાથેની અચાનક થયેલી મુલાકાતની માહિતી તેમણે એક ટ્વિટ દ્વારા આપી હતી. જેમાં કેજરીવાલે એવો દાવો કર્યો કે આ ગુજરાતી વડીલે એમને એમ કહ્યું કે અગાઉ જ્યારે કોઈ તેમના ચરણસ્પર્શ કરતા હતા ત્યારે તેઓ તેમને આશિર્વાદ આપતા હતા કે સુખી થાવ, પરંતુ હવે કોઈ તેમના ચરણસ્પર્શ કરે છે તો તેઓ આશિર્વાદ આપે છે કે આમ આદમી પાર્ટીની સરકાર બને. કારણકે જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો એ વ્યક્તિ આપોઆપ સુખી થઇ જતો હોય છે.

    પહેલી નજરે જ બાલીશ લાગતા આ દાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલે આ ઘટનાનો કોઈ ફોટો અથવાતો કોઈ વિડીયો ટ્વિટ નથી કર્યો. જો કે તમે કેજરીવાલનું સોશિયલ મિડિયા ફેંદી નાખશો તો આવા ઘણા વડીલો તેમને મળી ગયા છે એવો દાવો તેમણે દરેક ચૂંટણી વખતે વગર કોઈ પુરાવા આપ્યે કર્યો છે, પરંતુ બાદમાં એમની પાર્ટીની સરકાર એ રાજ્યમાં બની હોય એવું બન્યું નથી.

    જો કોઈ રાજકીય પાર્ટીના વડા આ પ્રકારે બાલીશ દાવો કરતા હોય તો પછી એમના આઈટી સેલ વિષે તો કલ્પના જ  કરવી રહી. પરંતુ આમ આદમી પાર્ટી આપણને કલ્પના કરવાની તસ્દી પણ નથી આપતી એમનો આઈટી સેલ તો હાજરાહજૂર દાખલાઓ આપવા માટે સમર્થ છે જેમ સોમવારે બન્યું. સોમવારે રાત્રે 10.49ના સુમારે આમ આદમી પાર્ટીના ‘કહેવાતા’ સમર્થકે અરવિંદ કેજરીવાલ ટાઈપની ટ્વિટ કરી જેણે છેલ્લા બે દિવસથી સોશિયલ મિડીયામાં ધમાલ મચાવી દીધી છે.

    આ વ્યક્તિનું નામ કિસલય છે અને તેનું હેન્ડલ @kislayj97 છે. તેણે પોતાની ટ્વિટમાં જણાવ્યું છે કે તે દક્ષિણ ગુજરાતના કોઈ દૂરના ગામડામાં કરીયાણાની દુકાન ચલાવે છે અને આજે તેને એક વ્યક્તિ મળ્યો જેણે એમ કહ્યું કે જો તે આ વખતે (ગુજરાતની વિધાનસભાની 2002ની ચૂંટણીઓમાં) આમ આદમી પાર્ટીને મત નહીં આપે તો તે પોતાના બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દેશે. આ સાંભળીને કિસલયભાઈ ગળગળા થઇ ગયા અને એ વ્યક્તિએ સર્ફ એક્સલ ખરીદ્યો હતો એના પૈસા એમણે (આમ આદમી પાર્ટીના સમર્થક તરીકે) ન લીધા.  

    આ વાંચીને કોઇપણ સામાન્ય યુઝરને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો સમર્થક છે. કોઇપણ રાજકીય પક્ષના સમર્થક હોવું ગુનો નથી, પરંતુ જ્યારે એ વ્યક્તિની સત્યતા તપાસવામાં આવે અને એના દાવાનું કે એની વાર્તાનું જુઠ્ઠાણું સામે આવે ત્યારે એ વ્યક્તિ સાચે જ ગુનેગાર સાબિત થઇ જતો હોય છે.

    કિસલયની ટ્વિટની સાવ નીચે એણે જ્યાંથી ટ્વિટ કરી હતી એ સ્થળનું નામ દેખાયું Exeter, England. આમ આ કિસલયનું જુઠ્ઠાણું કે એ દક્ષિણ ગુજરાતના કોઈ અંતરિયાળ ગામડામાં રહે છે એ પકડાઈ ગયું. હવે જો આ વ્યક્તિ ગુજરાતના દક્ષિણ ભાગમાં તો શું ગુજરાત કે ભારતમાં જ ન રહેતો હોય તો એ શું પોતાનો આ સ્ટોર વિડીયો કૉલથી ચલાવતો હશે? એ શક્ય જ નથી, અને જો શક્ય હોય તો ગુજરાતમાં મોબાઈલ ક્નેક્ટીવીટી છેક અંતરિયાળ ગામડા સુધી વિકસી છે એ સાબિત થાય છે.

    આમ આદમી પાર્ટી સમર્થકની ટ્વિટ જે બાદમાં ડીલીટ કરવામાં આવી હતી.

    સામાન્ય રીતે જોવા જઈએ તો ગામડાના લોકો કપડાં ધોવા માટે કે ન્હાવા માટે લોકલ બ્રાંડના સાબુ વાપરતા હોય છે, આથી પેલો કથિત ગ્રાહક સર્ફ એક્સેલ ખરીદવા આવ્યો હોય એવી શક્યતાઓ બહુ ઓછી છે અને જો એવું ખરેખર હોય તો છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં નાનામાં નાના ગામડાંમાં પણ લોકોની ખરીદશક્તિ એટલી વધી ગઈ છે કે તેઓ સર્ફ એક્સેલ જેવો મોંઘો વોશિંગ પાઉડર પણ ખરીદવા લાગ્યા છે એ પણ સાબિત થઇ જાય છે.

    જો આ બે મુદ્દા જ સાબિત થતા હોય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે હજી સત્તામાં આવશે કે કેમ એ મોટો પ્રશ્ન છે તો એને મત ન આપીને બાળકોનું ભાવિ કેવી રીતે અંધકારમય થાય? કારણકે ગુજરાતના આ અંતરિયાળ ગામડા સુધી મોબાઈલ કનેક્ટીવીટી પણ પહોંચી ગઈ છે અને અહીંના લોકો આર્થિકરીતે એટલા સમૃદ્ધ છે કે તેઓ મોંઘાભાવનો વોશિંગ પાઉડર પણ ખરીદી શકે છે. એટલે કિસલયનો આ દાવો ખોટો પડે છે કે ગુજરાતમાં લોકો અત્યારે સુખી નથી.

    હવે જરા આ કિસલયની ટ્વિટર પ્રોફાઈલ પર નજર નાંખીએ. એના ‘બાયોમાં’ એણે જાતે જણાવ્યું છે કે એ 20 વર્ષ વારાણસીની અંધાધુંધીમાં રહ્યો છે અને હવે કેમ્બ્રિજની શાંતિમય વાતાવરણમાં તેણે પોતાનું સ્થાન મેળવ્યું છે. હવે કેમ્બ્રિજમાં પણ આ વ્યક્તિ ભણી રહ્યો હોય એ જરા શંકાસ્પદ એટલા માટે છે કારણકે એણે જે સ્થાનેથી ટ્વિટ કરી છે તેનાથી કેમ્બ્રિજ લગભગ સાડાત્રણ કલાકના અંતરે આવ્યું છે. વળી, એના એ જ બાયોમાં જે એનું લોકેશન દર્શાવે છે એ પાછું પેરુનું છે જેનાથી ભારત તો શું ઇંગ્લેન્ડ પણ હજારો કિલોમીટરના અંતરે આવેલું છે.

    ખોટી માહિતી ફેલાવનાર આમ આદમી પાર્ટી સમર્થક કિસલયની ટ્વિટર પ્રોફાઈલ

    તો આ તમામ પુરાવાઓ એ સાબિત કરે છે કે આ ટ્વિટ અને કદાચ અત્યારસુધીમાં આવી અસંખ્ય ટ્વિટ્સ આમ આદમી પાર્ટીના આઈટી સેલ દ્વારા જ કરવામાં આવી હશે. આમ માનવા પાછળ બીજા બે કારણ પણ છે. જો કિસલય ખરેખર દક્ષિણ ગુજરાતમાં જ રહેતો હોત અને સાચો હોત તો તેણે પોતાની ટ્વિટ ડીલીટ કરી ન હોત. તો મતલબ સાફ છે કે આ એક ફેક પ્રોફાઈલ છે અને આઈટી સેલ દ્વારા જ તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અથવાતો તે ગુજરાતી જ નથી અને આઈટી સેલના કહેવાથી તેણે આ ટ્વિટ કરી હતી.

    એક મહત્ત્વનો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે સામાન્ય રીતે કિસલય નામ ગુજરાતીઓમાં બહુ ઓછું અને બંગાળીઓમાં વધુ જોવા મળતું હોય છે એટલુંજ નહીં ગુજરાતના અંતરિયાળ ગામમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા વ્યક્તિનું નામ કિસલય હોય એ જરા અજુગતું નથી લાગતું?

    આ કિસ્સો એ વાતને પણ સ્પર્શ કરે છે કે આ પ્રકારનો પ્રચાર આમ આદમી પાર્ટીનો આઈટી સેલ કદાચ કોઈને નાણા ચૂકવીને કરાવતો હોય શકે છે કારણકે જે વ્યક્તિ ઇંગ્લેન્ડમાં રહેતો હોય અને ગુજરાત સાથે પણ જેને લેવાદેવા ન હોય એ શા માટે પોતે ગુજરાતી હોવાનું કહીને મફતમાં ખોટી માહિતી ફેલાવે?

    આ વાત આપણને એમ પણ સમજાવે છે કે સામાન્ય પ્રજાએ આ પ્રકારની ભ્રામક માહિતીઓ જે આજકાલ સોશિયલ મિડીયામાં સતત ફેલાઈ રહી છે અને ચૂંટણીઓ નજીક આવતા તે વધુ પ્રમાણમાં ફેલાશે તેની બેવડી કે ત્રણગણી ચકાસણી કાયમ કરવી જોઈએ અને તો જ સાચું ચિત્ર બહાર આવતાં યોગ્ય પક્ષ અને ઉમેદવારને તે મત આપી શકે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં