Thursday, April 25, 2024
More
    હોમપેજસંપાદકની પસંદવિદેશમંત્રી એસ જયશંકરે પોતાના પુસ્તકમાં સમજાવ્યું મહાભારતનું મહત્વ : જાણો એક મહાકાવ્ય...

    વિદેશમંત્રી એસ જયશંકરે પોતાના પુસ્તકમાં સમજાવ્યું મહાભારતનું મહત્વ : જાણો એક મહાકાવ્ય કઈ રીતે છે વિદેશનીતિનું કેન્દ્ર

    પોતાના પુસ્તક ધ ઇન્ડિયા વે માં વિદેશમંત્રી એસ જયશંકરે મહાભારતનું ઉદાહરણ આપીને આજના સમયમાં ભારતની વિદેશનીતિ અને આંતકવાદ વિરોધી રણનીતિ કેવી છે તેનો ચિતાર આપ્યો છે.

    - Advertisement -

    સુબ્રમણ્યમ જયશંકર જ્યારથી કેન્દ્રની મોદી સરકારમાં વિદેશમંત્રી બન્યા છે ત્યારથી તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બાદ તેમણે આ મંત્રાલયમાં કામ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. તેમના પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’માં તેઓ વિશ્વમાં ભારતનું શું યોગદાન હોવું જોઈએ અને દુનિયા ભારતને કઈ રીતે જુએ તે વિચાર પર વિસ્તારથી ચર્ચા કરે છે. પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’માં તેમણે ભારતની વાત કરતાં મહાભારત અને શ્રીકૃષ્ણની નીતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

    પુસ્તકમાં ‘કૃષ્ણની ઈચ્છા- એક ઉભરતી શક્તિની રણનીતિક સંસ્કૃતિ’ નામનું એક પ્રકરણ છે. આ પ્રકરણમાં લેખક એસ જયશંકર સમજાવે છે કે ભારતે પોતાની રણનીતિઓ અને લક્ષ્યો સમજવા માટે તેમજ વિશ્વએ ભારતને જાણવા-સમજવા માટે મહાભારતનું અધ્યયન કરવું કેમ જરૂરી છે. પ્રકરણની શરૂઆત જર્મન સાહિત્યકાર ગોથેના એક કથન-‘પોતાના ભૂતકાળનું સન્માન નહીં કરનારા રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય નથી હોતું’- થી થાય છે

    પોતાનાં પુસ્તક દ્વારા વિદેશમંત્રી એસ જયશંકર એ બાબત પર ભાર મૂકે છે કે અહીં પહેલેથી જ એક બહુધ્રુવીય દુનિયા છે. અહીં કંઇક એવું છે જે પશ્ચિમી શક્તિઓ સરળતાથી સ્વીકારી શકતી નથી. ભારતીય વિચાર પ્રક્રિયા, વિકલ્પો વગેરે આ બહુધ્રુવીય દુનિયામાં પ્રતિબિંબિત થતાં જોવા મળે છે. આ ઉપરાંત અનેક આધુનિક સંદર્ભોનું પણ વર્ણન મહાભારતમાં જોવા મળે છે.

    - Advertisement -

    પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે, જે રીતે હોમરના ઇલિયડ કે મૈકિયાવેલીના ધ પ્રિન્સને અવગણીને પશ્ચિમી રણનીતિક પરંપરા પર ટિપ્પણી કરવી અશક્ય છે, કે જે રીતે ત્રણ સમકક્ષ રાજ્યોની અવગણના કરીને ચીનને સમજવાના પ્રયત્નો કરવા શક્ય નથી તેવી જ રીતે મહાભારતના અધ્યયન વગર ભારતને સમજી શકાય નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત સહિત આખી દુનિયા સામે આ સમયે અનેક પડકારો છે જેનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવી ચૂક્યો છે.

    અર્જુનના ચરિત્ર દ્વારા આજનું પરિદ્રશ્ય સમજાવાયું

    આ પુસ્તકમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન અર્જુનને થયેલ દુવિધાઓનો પણ ઉલ્લેખ છે. લેખક એસ જયશંકરે પોતાનાં પુસ્તકમાં સમજાવ્યું છે કે કઈ રીતે આંતરરાષ્ટ્રીય સબંધો અને મોટા નિર્ણયો લેતી વખતે અધિકારીઓમાં અર્જુન જેવો વ્યવહાર દેખાય છે. અનેક વખત એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે નિર્ણાયક કાર્યવાહી કરવી જરૂરી હોય છતાં કરવામાં આવતી નથી. જેનું કારણ ક્ષમતાની ઉણપ હોતું નથી પરંતુ અર્જુનની જેમ પરિણામોનો ભય હોય છે. તેઓ સમજાવે છે કે કઈ રીતે એક નરમ વલણ ધરાવનારું રાજ્ય જરૂરી નિર્ણયો લઇ શકતું નથી.

    તેઓ આતંકવાદ સામે લડવાની ભારતની ભૂમિકાને અર્જુનની સ્થિતિ સાથે જોડીને કહે છે કે આતંક વિરુદ્ધ ભારતનું વલણ હવે બદલાયું છે. અત્યાર સુધી આપણે જોખમ લેવામાં ડરતા હતા પરંતુ હવે જોખમ લેવા માટે અને પરિણામો ભોગવવા માટે તૈયાર હોય તેવા યોદ્ધાની જેમ કે અર્જુનની જેમ વલણ રાખવું પડશે. પોતાના પુસ્તકમાં તેઓ સમજાવે છે કે શક્તિઓમાં વધારો થવા પર તેની ચર્ચા થવી પણ જરૂરી છે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે.

    પાડોશી દેશો પ્રત્યે ભારતનું વલણ અને શ્રીકૃષ્ણ દ્વારા શિશુપાલનો વધ

    ‘ધ ઇન્ડિયા વે’માં વિદેશમંત્રી એસ જયશંકરે પાડોશી શક્તિઓ સામે કઈ રીતે લડવું તે સમજાવતાં શિશુપાલ વધનું ઉદાહરણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે કઈ રીતે શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કરવા પહેલાં તેના પાપના ઘડાને ભરાવા દીધો હતો. તેમણે અર્જુનના ઉદાહરણથી પણ સમજાવ્યું કે કઈ રીતે યોગ્ય રણનીતિ યુદ્ધ માટે જરૂરી હોય છે. જેમ મહાભારતમાં નારાયણી સેનાને ન પસંદ ન કરીને અર્જુને શ્રીકૃષ્ણનો સાથ માગ્યો હતો અને જીત મેળવી હતી તે જ રીતે સાચો નિર્ણય કોઈ પણ યુદ્ધનું પરિણામ બદલી શકે છે.

    વિદેશમંત્રી પોતાના પુસ્તક દ્વારા સમજાવે છે કે આજના સમયમાં જ્યારે તકનીક, શક્તિઓ, મોટા ઉપકરણો અને રોબોટ પગપેસારો કરી રહ્યા છે ત્યારે પોતાની ક્ષમતાઓની ઓળખ કરવાથી આખો ખેલ બદલાઈ શકે છે. એટલે કે હાથમાં પત્તા આવી પણ જાય તોપણ તેની સાથે કઈ રીતે રમવું એ જ નવું વિશ્વ બનાવવાનો મૂળ મંત્ર છે. મહાભારત અને શ્રીકૃષ્ણનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે દુર્યોધન હારી ગયો હતો કારણ કે તેને શ્રીકૃષ્ણની શક્તિઓ વિશે ખબર ન હતી અને તેને લાગ્યું હતું કે નારાયણી સેના જ તેને જીતાડવામાં મદદરૂપ થશે.

    પુસ્તકમાં એસ જયશંકર યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તેવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરે છે. પછી તે દુર્યોધન કે ભીષ્મ પિતામહને મારવાની યુક્તિ હોય કે પછી કર્ણનું મૃત્યુ. તેઓ સમજાવે છે કે નિયમોનું સન્માન દરેક જગ્યાએ થવું જ જોઈએ પરંતુ સામેપક્ષે જો સતત શક્તિઓનો ખોટો ઉપયોગ થતો હોય તો નિયમોમાં થોડો બદલાવ યોગ્ય છે. તેમણે પુસ્તકમાં એ પણ સમજાવ્યું કે સત્તા પરિવર્તન હંમેશા અભ્યાસનો વિષય રહ્યો છે. શ્રીકૃષ્ણે જરાસંઘને માર્ગમાંથી હટાવ્યો ત્યારે તે પાછળનો મકસદ એક પડકાર દૂર કરવાનો નહીં પરંતુ યુધિષ્ઠિરને રાજા બનવામાં રસ્તામાં આવતા કંટકને હટાવવાનો પણ હતો.

    તેઓ કહે છે કે જેઓ રાષ્ટ્રીય શક્તિને મજબૂત કરવાની હિમાયત કરે છે તેઓ પણ સાચા જ છે પરંતુ બીજાના પ્રભાવ અને શક્તિના ઉપયોગને પણ અવગણવા જોઈએ નહીં. તેમણે કૌરવો અને પાંડવોનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે ભલે પાંડવો આજીવન કૌરવોની સરખામણીએ પીડિત રહ્યા હોય પરંતુ તેમની પાસે પોતાની વીરતા અને મહાનતા થકી ઈતિહાસ બનાવવા અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતા હતી, જેણે તેમને કૌરવો કરતાં મહાન બનાવ્યા હતા.

    વિદેશમંત્રી મહાભારત અંગે કહે છે કે તેમાં લખવામાં આવેલી વાતો સત્તામાં કઈ રીતે સામંજસ્ય બેસાડવામાં આવે તે બાબતે સબંધ ધરાવે છે. આજના સમયમાં આવા સામંજસ્ય ખતમ થઇ રહ્યા છે. તેઓ જણાવે છે કે, આગળ વધતા આપણે આપણી ક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવા પડશે તેમજ  રાષ્ટ્રહિતની કિંમત સમજતા નેતૃત્વએ કઠિન નિર્ણયો લેવા જ પડશે. પુસ્તક થકી તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણની જેમ આપણે દરેક ખેલમાં જીત માટે રણનીતિ ઘડવા માટે, સમાધાનો શોધતા લક્ષ્ય તરફ આગળ વધવું પડશે.

    ભારતે પોતાની ક્ષમતાઓ પર ધ્યાન આપવું પડશે

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિલ્હીમાં રાયસીના ડાયલોગમાં વિદેશમંત્રી એસ જયશંકરે દેશની 25 વર્ષોની વિદેશ નીતિની રૂપરેખા કહી હતી. તેમણે કહ્યું હતું કે દેશ પોતાની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખે અને દુનિયાની ચિંતા કર્યા વગર દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવે. તેમણે કહ્યું હતું કે એક સમય હતો જ્યારે વિશ્વપટલ પર આપણે માત્ર લોકતંત્ર હતા. આપણે આપણી ક્ષમતાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ અને આગામી વર્ષોમાં દુનિયાનો માહોલ જોઇને દરકે ક્ષેત્રમાં લાભ ઉઠાવવા જોઈએ.  

    (ગુજરાતીમાં અનુવાદ થયેલો આ લેખ મૂળરૂપે અંગ્રેજીમાં સંઘમિત્રાએ વિસ્તારથી લખ્યો છે. જેને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં