પહેલી વખતે ભારતે ખડકી દીધા 12 પરમાણુ શસ્ત્રો, જથ્થો પહોંચ્યો 190 પર: રિપોર્ટ

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના (SIPRI) વર્ષ 2026ના તાજેતરના અહેવાલ અનુસાર ભારતે ઇતિહાસમાં પહેલીવાર 12 ન્યુક્લિયર વોરહેડ્સ ડિપ્લોય કર્યા છે. દાયકાઓથી ચાલી આવતી ભારતની પરંપરાગત નીતિમાં આ એક ઘણો મોટો બદલાવ માનવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ વોરહેડ્સ અને તેને લૉન્ચ કરવાની સિસ્ટમને અલગ-અલગ રાખતું હતું. આ પ્રથમ ઘટના છે જ્યારે ભારતીય સેનાએ હથિયારોને લૉન્ચિંગ સિસ્ટમ સાથે જોડીને સૈન્ય મથકો પર તૈયાર રાખ્યા છે.

આ અહેવાલ દર્શાવે છે કે જાન્યુઆરી 2026 સુધીમાં ભારતનો કુલ પરમાણુ જથ્થો વધીને 190 થયો છે, જે અગાઉના વર્ષે 180 હતો. ભારતે ઑગસ્ટ 2024થી ‘INS અરીઘાત’ અને ‘INS અરિદમન’ નામની બે પરમાણુ સબમરીન સક્રિય કરી દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. આ પગલાંથી ભારત પોતાની પરમાણુ ત્રિપાંખને (હવાઈ, જમીન અને સમુદ્ર) વધુ મજબૂત બનાવી રહ્યું છે.

અહેવાલ અનુસાર મે 2025માં પાકિસ્તાન સામેના યુદ્ધ અને ચીન સાથેના તણાવને કારણે ભારતે આ વ્યૂહાત્મક ફેરફાર કર્યો છે. ભારત હવે ચીનના દૂરના વિસ્તારો સુધી પહોંચી શકે તેવી લોન્ગ-રેન્જ મિસાઈલ સિસ્ટમ પર ધ્યાન આપી રહ્યું છે. જોકે આ સૈન્ય સજ્જતા છતાં ભારત પોતાની ‘નો ફર્સ્ટ યુઝ’ (પહેલાં પરમાણુ હુમલો ન કરવાની) નીતિ પર અડગ છે.

પરમાણુ હથિયારો ઉપરાંત SIPRIના અહેવાલમાં ભારતના સૈન્ય ખર્ચ અંગે પણ મહત્વની માહિતી આપવામાં આવી છે. વર્ષ 2025માં 92.1 અબજ ડૉલરના સંરક્ષણ બજેટ સાથે ભારત વિશ્વમાં પાંચમો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનારો દેશ બન્યો છે, જે 2024ની સરખામણીએ 8.9 ટકાનો વધારો દર્શાવે છે.

આ ઉપરાંત વર્ષ 2021થી 2025 દરમિયાન ભારત વૈશ્વિક સ્તરે હથિયારોની આયાત કરનારો બીજો સૌથી મોટો દેશ રહ્યો છે, જે વૈશ્વિક આયાતના 8.2 ટકા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારત પોતાની સૈન્ય શક્તિ અને આધુનિકીકરણ પાછળ ઝડપથી રોકાણ વધારી રહ્યું છે.