સુરતમાં ડિમોલિશન થયું, પણ કોણે કર્યું એ પ્રશ્ન: પાલિકા-પોલીસે હાથ ઊંચા કર્યા, હાઇકોર્ટ પહોંચ્યો કેસ: વાંચો શું છે મામલો

સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ડિમોલિશનનો મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. મેના અંતમાં અહીં અમુક મકાનો તોડી પડવામાં આવ્યાં હતાં. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, આમાં મહાનગરપાલિકાએ સંડોવણીની ના પાડી દીધી છે. બીજી તરફ હાઇકોર્ટમાં અરજી દાખલ થતાં કોર્ટે પાલિકા, ગુજરાત સરકાર, સુરત પોલીસ વગેરેને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.

આ મામલે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજને સત્તાવાર રીતે પાલિકા સીધી રીતે સામેલ હોવાનો ઇનકાર કર્યો છે. કમિશનરના જણાવ્યા અનુસાર, પાલિકાની ટીમો માત્ર ખાનગી પક્ષે સૂચિત કરેલા ટાઉન પ્લાનિંગ સ્કીમના રસ્તાની માપણી માટે જ ઘટનાસ્થળે ગઈ હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ તોડફોડ મહાનગરપાલિકાએ નથી કરી.

જ્યારે, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ અનુસાર, સુરત પોલીસના અધિકારીઓનું કહેવું છે કે તેમને સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી નાસીરનગર વસાહતમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા માટે સત્તાવાર દસ્તાવેજો સાથેની અરજી મળી હતી. પાલિકાની આ માંગણીના આધારે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.

પાલિકાના જ સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયાંગ રામજીવાલાનાં વિરોધાભાસી નિવેદનો પણ ચર્ચાનો વિષય બન્યાં છે. દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવાયું છે કે, અધિકારીએ શરૂઆતમાં એવું સ્વીકાર્યું હતું કે પ્રાઇવેટ બિલ્ડરે રસ્તા માટે પોતાની જગ્યામાંથી 40 ફૂટનો રસ્તો આપ્યો હોવાથી પાલિકાએ ત્યાં કબજો લેવાની અને વૈકલ્પિક રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી. જોકે, બાદમાં વિવાદ વધતાં તેમણે માત્ર રોડ માપણી માટે ગયા હોવાનું કહી નિવેદન બદલ્યું હોવાનો દાવો અહેવાલમાં કરાયો છે.

કાયદાકીય મોરચે, અરજદારના એડવોકેટ ઝમીર શેખના જણાવ્યા અનુસાર, નાસીરનગરના રહીશો આ જગ્યા પર છેલ્લા 35 વર્ષથી વસવાટ કરે છે. કોર્ટમાં રજૂ કરાયેલી પિટિશનમાં રહીશોએ નિયમિત ચૂકવવામાં આવતા પ્રોપર્ટી ટેક્સની રસીદો તેમજ વર્ષ 2006ના વીજળી બિલ જેવા દસ્તાવેજી પુરાવાઓ સામેલ કરીને દાવો કર્યો છે કે તેઓ કાયદેસરના ભાડૂતો કે કબજેદારો છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વહીવટી પ્રક્રિયાના ઉલ્લંઘનનો મુખ્ય મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અરજદાર પક્ષનો દાવો છે કે ‘ધ ગુજરાત પબ્લિક પ્રીમિસિસ એક્ટ, 1972’ હેઠળ કોઈપણ સરકારી કે જાહેર જગ્યા ખાલી કરાવતા પહેલાં સક્ષમ અધિકારી દ્વારા ઓછામાં ઓછી 10 દિવસની લેખિત શો-કોઝ નોટિસ આપવી ફરજિયાત છે. આ કેસમાં આવી કોઈ પૂર્વ સૂચના કે નોટિસ આપવામાં આવી નહોતી.

ગુજરાત હાઇકોર્ટે હાલ આ મામલે નોટિસ પાઠવી છે. બીજી તરફ અરજદારોનું કહેવું છે કે તેઓ ડિમોલિશન માટે જવાબદારો સામે FIR કરવાની માંગ સાથે ફરીથી એક અન્ય અરજી દાખલ કરશે.