
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ શુભેન્દુ અધિકારીની સરકારે મમતા બેનર્જીની પાર્ટી TMCને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. બિધાનગર નગર નિગમના પૂર્વ ચેરમેન સબ્યસાચી દત્તાની પોલીસે કરોડો રૂપિયાની ખંડણી અને ઉઘરાણી કરવાના ગંભીર આરોપસર ધરપકડ કરી છે.
બિધાનગર નોર્થ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 8 જૂનના રોજ સબ્યસાચી દત્તાને રાજારહાટ ખાતે આવેલા તેના ઘરેથી ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દત્તા વિરુદ્ધ કરોડો રૂપિયાની ખંડણી માંગવાના આરોપો ઘણા સમયથી હતા, જેની તપાસ ચાલી રહી હતી. સબ્યસાચી દત્તા બિધાનગર-રાજારહાટ વિસ્તારનો ખૂબ જ પ્રભાવશાળી નેતા ગણાય છે અને સ્થાનિક રાજકારણમાં તેનો મોટો દબદબો રહ્યો છે.
આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે TMC પાર્ટીની અંદર જ ભારે અસંતોષ અને વિદ્રોહના સંકેતો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અભિષેક બેનર્જીથી નારાજ TMCના અંદાજે 20 જેટલા ધારાસભ્યો દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને શુભેન્દુ અધિકારી જેવા NDAના મોટા નેતાઓને મળી ચૂક્યા છે. આ તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં જ NDAમાં સામેલ થવા ઈચ્છે છે.
રાજ્યમાં સરકાર બદલાયા બાદથી પૂર્વ સત્તાધારી પક્ષના એવા ઘણા નેતાઓ અને જનપ્રતિનિધિઓની યાદી લાંબી થઈ રહી છે જેઓ તપાસના દાયરામાં આવ્યા છે અથવા જેલભેગા થયા છે. સબ્યસાચી દત્તા આ યાદીમાં જોડાનાર નવું મોટું નામ છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહીને આગળ ધપાવી રહી છે.

