‘ખાન સર’ તરીકે ઓળખાતા ફૈઝલ ખાનની ધરપકડ પર રોક, આગોતરા જામીનની અરજી પર પટના કોર્ટે આપી રાહત

કોચિંગ સેન્ટર સામે ફાયરિંગના કેસમાં નોંધાયેલી FIR મામલે પટનાની કોર્ટે ‘ખાન સર’ તરીકે ઓળખાતા ફૈઝલ ખાનને રાહત આપીને ધરપકડ પર રોક લગાવી છે. ફૈઝલે કોર્ટના દરવાજા ખખડાવીને આગોતરા જામીનની માંગ કરી હતી, જે કોર્ટે મંજૂર કર્યા છે.

ઘટના ગત 2 જૂનની છે. ખાન સરે પહેલાં દાવો કર્યો હતો કે તેમના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર ફાયરિંગ થયું છે. ત્યારબાદ પોલીસે પ્રાથમિક તપાસમાં ફાયરિંગનો એન્ગલ નકાર્યો અને જણાવ્યું કે બે કોચિંગ સેન્ટરના વિખવાદમાં પથ્થરમારો અને તોડફોડ થયાં હતાં. પછીથી ખાન સરે પણ ફેરવી તોળ્યું અને કહ્યું કે તેમને સંસ્થાના કર્મચારીઓએ જણાવ્યું હતું અને ઉતાવળમાં ખરાઈ કર્યા વગર પોતે કહી દીધું હતું.

જોકે પછીથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો જેમાં ખાન સરના કોચિંગ ઇન્સ્ટિટ્યુટના બે ગાર્ડ ગોળીબાર કરતા જોવા મળ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરી તો તેમણે કહ્યું કે ફૈઝલ ખાને જ તેમને ગોળીબાર કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ખાન સામે પણ FIR દાખલ કરી હતી.

FIR દાખલ થયા બાદ ફૈઝલે પટનાની જિલ્લા કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી, જે મામલે કોર્ટે ધરપકડ પર રોક લગાવીને રાહત આપી છે.